Thursday, September 8, 2011

રાહુ બની ઘુંઘટડો મારા ચાંદને ગળી ગ્યો......




દીકરી ની વિદાય એક એવો અવસર, જયારે પિતા પોતાનો લાડખજાનો કોઈ ને સોપે છે. જેમાં દુખ પણ છે અને ખુશી પણ છે. માતા તેની મમતા આપી રહી છે. અને ભાઈ તો તેનું સહિયર સોપી રહ્યો છે. દીકરી ની વિદાય થયા પછી પિતા હમેશાં તેની દીકરીનું બાળપણ વાગોળ્યા કરે છે. વિચારે છે કે નાની હતી ત્યારે હું તેને કેટલા લાડ લડાવતો, જયારે જન્મી ત્યારે તો નાની નાની હતી અને ટગર ટગર જોયા કરતી, મારી ચપટી સાંભળી ને ખડખડાટ હસતી, પાપા-પગલી ચાલવાનું શરુ કર્યું ત્યારે તો ક્યાં દોડતા દોડતા સાત-તાલી રમવા લાગી તેની જ ખબર ના રહી. જાણે ઘર માં એક ખુશી નું ચોમાસું આવી ગયું. જેમ મોટી થઇ તેમ તેમ મારી મિત્ર બની અને સાથે સાથે પરાણે લાડ પણ કરાવતી ગઈ - પાપા મને આ જોયે ને પેલું જોયે. રવિવારે સાંજે રમાડો નહિ કે ફરવા ના લઇ જાવ તો અબોલા થઇ જાય,પણ જેવો આઈસ્ક્રીમ આપો કે ચોકોલેટ ખવડાવો એટલે ખુશ ખુશ. થોડા દિવસ થાય એટલે કહે કે પાપા મને નવા ડ્રેસ જોઈએ બધા જુના થઈ ગયા. નવા નવા ડ્રેસ પેહરી ને પૂછશે કે પાપા હું કેવી લાગુ છું? ત્યારે હું કેહતો કે તારે રોજ નવા ડ્રેસ પેહેરવા. તબિયત થોડી પણ નાજુક હોય તો પાપા તમને દવા આપુ? તરત પૂછશે. ત્યારે એવો વિચાર આવે કે હવે તો મારી દીકરી સ્કૂલ માં જાય છે, ભણે છે અને મોટી થઇ રહી છે.અચાનક જ એક દિવસ મારી દીકરી મારી સામે સાડી પેહરી ને ઉભી છે અને પૂછે છે પાપા હું કેવી લાગુ છું? અને મને માનવામાં નથી આવતું કે આજે મારી દીકરીનો કોલેજ નો છેલ્લો દિવસ છે - ખુબ મોટી થઇ ગઈ. બે ઘડી હું તેને જોય રહ્યો અને મેં જવાબ આપ્યો વાહ!!, બેટા એકદમ સુંદર લાગે છે. દીકરી ને મોટી થતા જોય દરેક પિતા ને ચિંતા થાય કે કેવો છોકરો મળશે મારી લાડલી ને? જોત - જોતા માં દીકરી તેના સાથીદાર ને પસંદ કરી લે છે અને તેની વિદાય વેળા આવી પહોચે છે ત્યારે એક પિતા નું કાળજું કવિ 'દાદ' ના ગીત ને યાદ કરે છે......

કાળજા કેરો કટકો મારો, ગાંઠથી છૂટી ગ્યો
મમતા રૂવે જેમ વેળુમા વીરડો ફૂટી ગ્યો

છબતો નહીં જેનો ધરતી ઉપર, પગ ત્યાં થીજી ગ્યો,
ડુંગરા જેવો ઉંબરો એણે માંડ રે ઓળંગ્યો

બાંધતી નહીં અંબોડલો બેની, ઇ મર ને છૂટી ગ્યો,
રાહુ બની ઘુંઘટડો મારા ચાંદને ગળી ગ્યો

આંબલીપીપળી ડાળ બોલાવે હે બેના એકવાર હામું જો
અરે ધૂમકા દેતી જે ધરામાં ઈ આરો અણહર્યો

ડગલે ડગલે મારગ એને સો સો ગાઉનો થ્યો
ધારથી હેઠી ઉતરી બેની મારો સૂરજ ડુબી ગ્યો

લૂંટાઈ ગ્યો મારો લાડખજાનો ‘દાદ’ હું જોતો રયો
જાન ગઈ જાણે જાન લઈ હું તો સૂનો માંડવડો



કવિ દાદ ની આ અદભૂત રચનાની પ્રેરણા લઇ ને થોડું લખ્યું છે..... આશા છે તમને ગમ્યું હશે.

આનલ

2 comments:

  1. ખુબજ સરસ વિચારો છે, લખવું એ ખુબજ રસપ્રદ પણ પડકાર જનક પ્રક્રિયા છે. તમારી લાગણી, તમારી ખુમારી, અને તમારો અભિગમ જ્યારે કલમ માંથી કાગળ પર એક નદી બની ને વહે અને તેના થી આખો સમાજ ભીંજાય તેનું નામ લેખન.

    આવું કૈક કૈક લખતા રહો, તારી પાસે શબ્દ ભંડોળ પણ સારું છે, કોઈ વાર આપ જે પ્રવાસ કરો છો તેના અનુભવો પણ લખો અને શેર કરો.

    અભિનંદન.

    ReplyDelete
  2. અહ્હ્હ !
    ખુબ જ સાચી વાત!
    ખુબ જ અઘરું છે એક પિતા માટે સ્વીકારવું!
    ....

    ReplyDelete